‘ મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઇંગ્લિશ્તાની; સરપે લાલ ટોપી, ફિરભી દિલ હૈ હિન્દુસ્તાની ‘
“ ગીત ગાવાનું બંધ કરી રોડ પર ધ્યાન રાખી ગાડી ચલાવો. તમે અને તમારા મિત્ર જયેશભાઇ બન્ને રાજકપુરના ચાહક. રાજકપુરનું પીક્ચર આવ્યું નથી કે જોવા ગયા નથી. આપણા પાડોશી દિવ્યકાંતભાઇ મને કહેતા હતા કે સાહેબ ક્લીનીકમાં પણ રાજકપુરના પીક્ચરના ગીત ગણગણતા હોયછે.”
‘અરે અરે ઠકરાણાં, ધીમે સાદે બોલો. ક્યાંક બિચારો રાજકપુર ઉપર બેઠો બેઠો તમારું લેક્ચર સાંભળી જાશે તો દુ:ખી થઇને નીચે ધરતી પર ગબડી પડશે.’
સિનેમાનો છેલ્લો શો છૂટ્યા પછી વડોદરાના પ્રેક્ષકો પોતાના ઘેર જવા રવાના થયા. આવું જ એક યુગલ રાજકપુરનું પીક્ચર શ્રી ૪૨૦ જોયા પછી કારમાં ઘેર પાછું ફરી રહ્યું હતું. સંતાનો મામાને ઘેર ગયા હોવાથી બન્નેએ મળેલ મોકળાશ અને પ્રાઇવસીનો લાભ ઉઠાવ્યો. આ યુગલ એટલે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રહેતા ડો અજીતસિંહ વાઘેલા અને તેમના ધર્મપત્ની ઉષાબેન. મીઠી મજાક મસ્તી કરતા તેઓ તેમના ઘર પાસે આવી પહોંચ્યા. ફળિયાનો ઝાંપો ખોલતા ડો વાઘેલાએ અંદર પાર્ક કરેલ સ્કૂટરની સીટ પર ઘરનું લોક પડેલું જોયું. તેને નવાઇ લાગી. ડો વાઘેલા પાછળ અંદર આવી ગયેલ ઉષાબેને ઇશારાથી ઘરના મેઇનડોરને બતાવ્યો. ડો વાઘેલાએ મેઇનડોરનો આગળિયો ખુલ્લો જોયો. પતિ પત્ની બન્નેએ પરસ્પર એકબીજા સામે જોયું. બન્ને સમજી ગયા કે ઘરમાં ચોરી થાયછે. અવાજ કર્યા વગર સાવચેતીથી ઘરમાં ગયા. અંદર માસ્ટર બેડરૂમમાં બધો સામાન વેરવિખેર. એક વ્યક્તિ કપડાંના કાળા થેલામાં સામાન ભરી રહ્યો હતો.
ડો વાઘેલાએ જોરથી રાડ પાડી. “ કોણછે અલ્યા, શું કરેછે?” પળવારમાં ચોર ચેતી ગયો, તેણે બેઠા બેઠા જ ડો વાઘેલા સામે ગણેશિયો ( ચોરી કરવા માટેનું લોખંડનું એક સાધન) ફેંક્યો. ડો વાઘેલા સહેજ નમી ગયા. ગણેશિયો ઉષાબેનના કપાળે લાગ્યો. કપાળમાં લોહીના ધાર થઇ. ડો વાઘેલાનું રાજપૂતી લોહી તપી ગયું. ચિતાની જેમ છલાંગ મારી ચોરને ગળચીએથી પકડ્યો. દરમ્યાન ઉષાબેન જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. ચોર પણ ગાંજ્યો જાય તેમ ના હતો. તેણે વાઘેલાને બાથમાં લઇ ભીંસવા લાગ્યો. બન્ને જીવ પર આવી લડવા લાગ્યા. આ દરમ્યાન લાગ જોઇ ગણેશિયો ઉપાડી ઉષાબેને ચોરની પીઠમાં ફટકાર્યો. ચોર રાડ પાડી ગયો. ડો વાઘેલાએ લાત મારી ચોરને દીવાલ સુધી ફેંકી દીધો. ચોર સમજી ગયો કે આજ કોક માથાનો મળ્યોછે. દોડીને ડો વાઘેલાની છાતીમાં માથું માર્યું. ડો વાઘેલા પડી ગયા. જેવો ચોર પગ ઉપાડી નીયે પડેલ ડો વાઘેલાને મારવા જયછે કે તરત ઉષાબેને બૂમો પાડવાનું ચાલુ રાખી ચોરને પગેથી પકડી પછાડ્યો. ઉષાબેન ધગેલ ત્રાંબા જેવા થઇ ગયા. રજપૂતાણીનું ખમીર ઉકળી ઉઠ્યું. ગુસ્સામાં ચોરને પગથી લાતો મારવા લાગ્યા. ચોર ડો વાઘેલાને જનૂનથી ગળાચીપ દેવા લાગ્યો. ડો વાઘેલાનો શ્વાસ રુંધાવા લાગ્યો. ડો વાઘેલાએ ત્રાડ પાડી ચોરના માથાના વાળ પકડી ઝટકો મારી જમીન ઉપર પછાડ્યો.
પીક્ચરમાં ભજવાતા નકલી ફાઇટીંગ સીન કરતા આ અસલી ફાઇટ જીવસટોસટની હતી. ફેર એટલો હતો કે પીક્ચરમાં હિરોઇન બીકણ સસલાની જેમ એકબાજુ સાઇડમાં ફફડતી ઊભી હોય. અહિ ઉષાબેન રણચંડીકા બની બહાદુર પતિની ઢાલ બની હિંમતપૂર્વક ચોરનો સામનો કરતી હતી.
ઉષાબેનની બૂમો સાંભળી પાડોશીઓ તેમને ઘેર દોડી આવ્યા. જોયું તો રુમમાં વેર વિખેર સામાન અને ડો વાઘેલા અજાણી વ્યક્તિ સાથે લડતા હતા. ઉષાબેનના કપાળમાં લોહીની ધાર વહેતી હતી. ક્ષણભરમાં બધા સમજી ગયા કે અજાણ્યો માણસ ચોર છે. પાડોશીઓએ ચોરને પકડી લીધો. બધા પાડોશી બોલવા લાગ્યા, “ હરામખોર ! અમારા ડોક્ટર સાહેબના ઘરમાં ચોરી કરવા આવ્યો ? કોઇ નહિ ને બાપુને લૂંટવા આવ્યો ? આજ તારી ખેર નથી.” સહુએ પોતાની શક્તિ મુજબ ચોર પર હાથ અજમાવ્યો. રીઢો ચોર સમજી ગયો કે આજે બરાબરનો ભેખડે ભરાણો છે. ક્યાંય નહિ ને એક દરબારના ઘરમાં આવી ભરાણો. રંગે હાથ પકડાવાથી લાંબો સમય જેલમાં જવાનો વારો આવી ગયો. ધમપછાડા કરી પાડોશીના હાથ છોડાવી ડો વાઘેલાના પગમાં પડી ગયો. કરગરવા લાગ્યો : “ બાપુ ! દયા કરો. ગરીબ બચરવાળ માણસ છું. છોકરાંવની ભૂખ ના જોવાતા ચોરી કરવા હાલી નીકળ્યો.” પાડોશીઓ બોલ્યા, “ડોક્ટર સાહેબ ! આ ચોરટો ખોટા બોલો લાગેછે. એનો થેલો ચેક કરો, કેટલો માલ ભેગો કર્યોછે.”
ઉષાબેન અને ડો વાઘેલાએ થેલો ઊંધો વાળી જોયું તો રોકડ રકમ, સોનાના દાગીના સહિત આશરે બે લાખની કિંમતનો સામાન હતો. પાડોશીઓ ઉકળી ઉઠ્યા. કોઇ બોલ્યું,” પોલીસને ફોન કરી બોલાવો. હરામખોર મુદ્દામાલ સાથે રંગે હાથ પકડાયોછે. જાશે જંતર વગાડતો જેલમાં.”
ચોર સમજી ગયો. આજે કોઇકાળે સજામાંથી છટકી શકાશે નહિ. ડો વાઘેલાને પગે હાથ નાંખી રડવા લાગ્યો. ગરીબડું મોઢું કરી ડો વાઘેલાને કાકલૂદી કરતા બોલ્યો,” બાપુ ! મને માફ કરો. તમે દરબાર તો અમારા જેવા ગરીબના અન્નદાતા ગણાવ; અમારા માવતર ઠેકાણે ગણાવ. મને પોલીસને સોંપોમા. મારા છોકરા રઝળી પડશે. મારા નાનકાના સમ ખાઇને કહુંછું, હવેથી ભૂખે મરી જાઇશ પણ કોઇ દિવસ ચોરી નહિ કરું. હું તમારે પગે પડુંછું. આ એકફેરા મને માફ કરો.”
પેઢીઓથી ઉતરી આવેલ ખાનદાની ડો વાઘેલા અને ઉષાબેનના લોહીમાં ફરે. શરણે આવેલને ક્ષમા આપવાનો ધર્મ ઉછળી આવ્યો. આમ પણ કાંઇ ચોરાયું ન’તુ, એટલે બધાની ના હોવા છતાં ડો વાઘેલાએ પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું અને ચોરને સખત શબ્દોમાં તાકીદ કરી જાવા દીધો.
ડો વાઘેલાનો ચોર પ્રત્યે દયા ખાઇને છોડી મુકવાનો નિર્ણય એ તેમની ઉદારતા હતી કે ભૂલ એ સમય સિવાય બીજું કોણ કહી શકે. આ બનાવ બન્યાના સાત વરસ પછી એજ ચોરનો તા. ૧૮ માર્ચ ૨૦૧૮ના સંદેશ’ ડેઇલી ન્યુઝ પેપરમાં ફોટો છપાયો. ‘સંદેશ’ના સમાચાર મુજબ આ રીઢો ચોર વડોદરા, અમદાવાદ, સુરત જેવા શહેરોમાં ચોરી કરી મળેલ પૈસા મુંબઈના બારમાં ઉડાડતો.
ક્યારેક એવું બનેછે કે નાના ગુન્હાને જતો કરીએ કે આંખ આડા કાન કરીએ તો એ ગન્હેગાર ભવિષ્યમાં મોટો ગુન્હેગાર બની સમાજને પીડેછે. જો ડો વાઘેલાએ મુદ્દામાલ સાથે, રંગેહાથ પકડાયેલ ચોરને પાડોશીની સાક્ષીમાં પોલીસને સોંપ્યો હોત તો લાંબો સમય જેલમાં જતા કદાચ સુધરી જાત.
જો દ્રૌપદીએ દુર્યોધનને કટુ વચન ના કહ્યા હોત તો ? જો સીતાએ કાંચનમ્રુગની એષણા ના રાખી હોત તો ?
તમારું, મારું જીવન કે જગતમાં બનતા બનાવોનું પરિણામ ‘ જો’ અને ‘તો’ ઉપર જ રહેલું હોયછે તેમ નથી લાગતું ?
-ડો હર્ષદ લશ્કરી
(કથાબીજ-ડો અજીતસિંહ વાઘેલા
સત્ય કથાનક)
0 Comments